બુધવારે દેશભરમાં જન્માષ્ટમીની ચર્ચા રહી પણ કોરોનાને લીધે આ વખતે ધૂમધામ અગાઉ જેવી જોવા મળી નથી. બીજી બાજુ કર્ણાટકમાંથી માઠા સમાચાર આવ્યા છે. એક વાંધાજનક ફેસબુક પોસ્ટને લઈ બેંગ્લુરુમાં હિંસક અથડામણ થઈ છે. વિદેશ પર નજર કરીએ તો અમેરિકામાં ડેમોક્રેટીક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને ભારતીય મૂળની કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. 55 વર્ષિય હેરિસ અત્યારે સેનેટના સભ્ય છે અને કેલિફોર્નિયાના એટર્નિ જનરલ રહી ચુક્યા છે. રમત-જગતની વાત કરીએ તો ઈગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ થશે. ઈગ્લેન્ડ પાસે પાકિસ્તાનને 10 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝમાં હરાવવાની તક છે.
બેંગ્લુરુમાં ફેસબુક પરની પોસ્ટ હિંસાનું કારણ બની
બેંગ્લુરમાં ફેસબુક પર વાંધાજનક પોસ્ટને લીધે શાંતિ ભંગ થઈ અને હિંસા સર્જાઈ હતી. બીજી બાજુ ડીજે હલ્લી વિસ્તારમાં હિંસા બાદ તોફાની તત્વોથી મંદિરને બચાવવા માટે મુસ્લિમ યુવકોએ હ્યૂમન ચેઈન બનાવી. એવી માહિતી મળી છે કે જ્યાં સુધી તોફાની તત્વો સ્થળ પરથી જતા ન રહ્યા ત્યાં સુધી યુવકો હ્યૂમન ચેઈન બનાવી ઉભા રહ્યા. ફેસબુક પર વાંધાજનક પોસ્ટને લીધે ડીજે હલ્લી તથા કેજી હલ્લી વિસ્તારોમાં હિંસા થઈ હતી. એક પોલીસ સ્ટેશનને આગ લગાવવામાં આવી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. આ હિંસક ઘટનામાં ઓછામાં ઓછા 60 પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હતી.
પાકિસ્તાનને સાઉદી અરેબિયાને ધમકાવવાનું, કાશ્મીર મુદ્દો ઉઠાવવાનું ભારે પડ્યું
તાજેતરમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી તેમ જ વિદેશ પ્રધાન તરફથી એવા નિવેદનો આપવામાં આવ્યા હતા કે જેના પરથી સંકેત મળ્યા હતા કે પાકિસ્તાન સાઉદી અરેબિયાને ધમકાવી રહ્યું છે. હવે પાકિસ્તાને સાઉદી અરેબિયા સમક્ષ કાશ્મીર મુદ્દો ઉઠાવવાની માંગ ભારે પડી છે. આ સાથે જ સાઉદી અરેબિયાએ સ્પષ્ટતા કરી છે કે હવે પાકિસ્તાનને કોઈ લોન-ધિરાણ, પેટ્રોલ-ડિઝલ એટલે કે ઓઈલ આપવામાં નહીં આવે. હકીકતમાં પાકિસ્તાન ચીનના જોરે સાઉદી અરેબિયા તથા UAEની સતત ટીકા કરતુ હતું. પાકિસ્તાન આ દેશો પર સતત દબાણ કરતુ હતુ કે તેઓ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠક બોલાવે અને કાશ્મીર મુદ્દે ચર્ચા કરે. અત્રે ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયા OICનું અધ્યક્ષ છે.
USમાંથી મહત્વના સમાચારઃ ભારતીય મૂળની કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદની સ્પર્ધામાં
અમેરિકામાં ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે તેમ રાજકીય ગતિવિધિ ઝડપી બની રહી છે. આજે અમેરિકામાંથી ભારતને લગતા એક અગત્યના સમાચાર આવ્યા છે. અમેરિકામાં ડેમોક્રેટીક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને ઐતિહાસિક પગલુ ભરતા ભારતીય મૂળના કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. મંગળવારે બિડેને આ અંગે ટ્વિટ કર્યું- મારા માટે આ જાહેરાત ખૂબ જ સન્માનજનક છે કે મે કમલા હેરિસને ચૂંટ્યા છે. તેઓ એક નિર્ભય ફાઈટર છે, દેશના એક સારા જનસેવક છે. જો ચૂંટણીમાં 78 વર્ષિય બિડેનની જીત થશે તો તેઓ અમેરિકના સૌથી વધુ ઉંમરના રાષ્ટ્રપતિ હશે, જ્યારે હેરિસની ઉંમર 55 વર્ષની છે. હેરિસ અત્યારે સેનેટની સભ્ય છે. તે કેલિફોર્નિયાની એટર્નિ જનરલ પણ રહી ચુક્યા છે.
કોરોના રસી તૈયાર થયાની જાહેરાતને પગલે સોના-ચાંદીના ભાવમાં વિક્રમજનક કડાકો
છેલ્લાક કેટલાક સપ્તાહોથી બુલિયન માર્કેટમાં તેજીની ચમક જોવા મળતી હતી. પણ રશિયાએ કોરોના વાઈરસની રસી તૈયાર કરી લીધી છે તેવા અહેવાલ આવતા જ સોના-ચાંદીના ભાવોમાં તીવ્ર ઘટાડો જોવા મળે છે. મંગળવાર બાદ બુધવારે પણ સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ 50,441 અને ચાંદીના કીલો દીઠ રૂપિયા 61,772 ભાવ નોંધાયા હતા.
રશિયામાં રાષ્ટ્રપતિ પુતિનની દિકરીને કોરોના રસી આપવામાં આવી
રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વાઈરસ સામેની રસી તથા તેના ડોઝ રાષ્ટ્રપતિ પુતિનની દિકરીને આપવામાં આવ્યાના સમાચાર મંગળવારે વિશ્વભરમાં છવાયેલા રહ્યા. તેમને બે ડોઝ આપવામાં આવ્યા હતા. ડોઝ આપ્યા બાદ શરીરના તાપમાનમાં ફેરફરા નોંધાયો હતો. પુતિનના મતે પહેલો ડોઝ આપવામાં આવતા શરીરનું તાપમાન 38 ડિગ્રી થયુ. રસીનો બીજો ડોઝ આપવામાં આવતા તાપમાન 1 ડિગ્રી ઘટી 37 ડિગ્રી થયુ. પણ થોડા સમય બાદમાં તાપમાન ધીમે-ધીમે સામાન્ય થઈ ગયું.
હવે ગ્રહો-નક્ષત્રની વાત કરશું
13 ઓગસ્ટ, ગુરુવારે રોહિણી નક્ષત્ર હોવાથી ઉત્પાત નામનો અશુભ યોગ બની રહ્યો છે. તે દિવસભર રહેશે. તેને લીધે કામકાજમાં અવરોધ સર્જાઈ શકે છે અને વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે.નાણાકીય વ્યવહાર તથા રોકાણને લઈ પણ મુશ્કેલી આવી શકે છે. એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના મતે આજે મિથુન, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિવાળા લોકો માટે કેટલાક નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. તુલા અને ધનુ રાશિવાળા લોકોને ગ્રહોનો સાથ નહીં મળે. આ ઉપરાંત અન્ય મેષ, વૃષભ, કર્ક, સિંહ અને કન્યા રાશિવાળા લોકોએ ગ્રહોના અશુભ પ્રભાવથી બચવું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/saudi-arabia-tweaks-pakistan-no-credit-or-oil-violence-in-bengaluru-from-facebook-post-indian-origin-kamala-harris-in-us-vice-presidential-candidate-127611517.html
0 Comments