શ્રીવૈષ્ણોદેવી મંદિરનું બેઝ કેમ્પ કટરા તાજેતરના દાયકાઓમાં એક દિવસ પણ બંધ થયું નહોતું. અહીંના માર્ગો દિવસ-રાત માતાના જયકારોથી ગૂંજતા રહેતા હતા. પણ કોરોના વાઈરસને લીધે 100 દિવસ સુધી આ વિસ્તારમાં સન્નાટો પ્રસરી ગયો હતો. સ્થાનિક તંત્રએ 31 જુલાઈ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
આ દરમિયાન વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ પણ વર્તમાન સ્થિતિને જોતાં શ્રદ્ધાળુઓ માટે નવી વ્યવસ્થા તૈયાર કરી રહ્યું છે. તે અંગે શ્રીવૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના સીઈઓ રમેશકુમાર કહે છે કે અમે તૈયારી કરી લીધી છે. બધું તંત્ર પર નિર્ભર કરે છે કે તે મંદિર ખોલવાની મંજૂરી ક્યારે આપશે. દર્શન માટે કટરા આવતા પહેલાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. દરરોજ 5થી 7 હજાર લોકોને જ યાત્રા અને દર્શનની મંજૂરી અપાશે. બધાનું સ્ક્રીનિંગ થશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન કરાવાશે.
માસ્ક પહેરવા કે ચહેરાને ઢાંકવો ફરજિયાત કરાશે. કુમાર અનુસાર યાત્રા માર્ગમાં આશરે અડધો ડઝન પોઇન્ટ પર સેનિટાઈઝિંગ ટનલ બનાવવાની તૈયારી છે. શ્રદ્ધાળુઓ ઉપરાંત મંદિર પ્રાંગણમાં રહેતા કર્મચારીઓની સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા કરાઈ છે. તે હેઠળ પૂજારી હવે ભક્તોને સીધું તિલક નહીં લગાવી શકે.
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડમાં આશરે 3 હજારથી વધુ કર્મચારી અને અધિકારી છે. તેમાંથી દર્શન વ્યવસ્થા સાથે સંકળાયેલા કર્મચારી પીપીઈ કિટ તથા પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ પહેરેલાં દેખાશે. યાત્રીઓની સુવિધા માટે જલદી જ મોબાઇલ એપ લોન્ચ કરાશે. જેની મદદથી ઓનલાઇન દર્શન અને રજિસ્ટ્રેશનની સુવિધા મળશે. સાથે જ ડોનેશન લિન્ક પણ હશે. જે શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવી પહોંચી નથી શકતા, તે એપના માધ્યમથી જ ઓનલાઈન પૂજા કરાવી શકશે.
અહીં 500 વર્ષથી શિવધરના વંશજ પૂજા કરી રહ્યા છે
વૈષ્ણોદેવી મંદિરમાં વિધિ-વિધાન સાથે પૂજા થઇ રહી છે. લાઈવ પ્રસારણ પણ થાય છે. આ પૂજા બાબા શિવધરના વંશજ 500 વર્ષથી કરી રહ્યા છે. પૂજારી સુદર્શન જણાવે છે કે તેમણે આવા સન્નાટા વિશે પૂર્વજો પાસેથી ક્યારેય સાંભળ્યું નથી. આ પહેલી વખત છે કે કોરોનાના લીધે દર્શન માટે ચઢાણ અટકાવાયું છે. અેટલું જ નહીં ભારત-પાકિસ્તાન યુદ્ધના સમયે પણ માતાનો દરબાર શ્રદ્ધાળુઓ માટે બંધ નહોતો કરાયો.
રોજ 10-20 કરોડનો ધંધો હવે ઝીરો, મોટા ભાગના લોકો પાછા ફર્યા
વૈષ્ણોદેવી દર્શન માટે રોજ સરેરાશ 40 હજાર લોકો આવતા હતા. મે-જૂનમાં આશરે 20 લાખ લોકો આવતા હતા. વર્ષમાં કુલ 80 લાખ લોકો કટરા આવે છે. અહીં દરરોજ 10-12 કરોડનો વેપાર થતો હતો. મંદિરમાં વાર્ષિક 350 કરોડ રૂપિયાનો ચઢાવો ચઢે છે પણ દર્શન બંધ થવાથી ત્રિકુટાના પર્વત પર પિટ્ટુવાળા, ચાની દુકાનો, ઢાબા, હોટેલ્સ, ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા લોકો પડી ભાંગ્યા છે. મોટા ભાગના લોકો પોતાના વતન પરત ફરી ગયા છે. કટરાની હોટેલ એસોસિએશન જણાવે છે કે હોટેલ વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોને 100 દિવસમાં 450-500 કરોડનું નુકસાન થયું છે. તે પોતાના કર્મીઓને પગાર આપવાની સ્થિતિમાં પણ નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/vaishnodevi-temple-closed-till-july-31-now-only-5000-people-will-be-allowed-to-visit-daily-sanitizing-tunnel-constructed-at-half-a-dozen-points-127490125.html
0 Comments