મુંબઈના પૉશ વિસ્તારોમાં કોરોના ફેલાયો, આઈસીયુ-વેન્ટિલેટર સમાપ્ત થવાની નજીક

મુંબઈમાં કોરોનાનો કેર હવે ઝૂંપડપટ્ટીમાંથી ઘટીને હાઉસિંગ સોસાયટીઓ અને પૉશ વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે. બોરીવલી જેવા પૉશ વિસ્તારમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યાં દર 16 દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે, જ્યારે સૌથી વધુ પ્રભાવિત ધારાવી ઝૂંપડપટ્ટીમાં હવે 76 દિવસમાં કેસ ડબલ થઈ રહ્યા છે. વધતા કેસોને જોતાં તંત્રએ બોરીવલી, કાંદીવલી, મલાડ અને દહીસરમાં લૉકડાઉનનો પ્રસ્તાવ આપ્યો છે. આ વિસ્તારોમાં લગભગ 23 લાખની વસતી રહે છે. બોરિવલીમાં 7 દિવસમાં 454 અને દહીસરમાં 289 કોરોનાના કેસ નોંધાયા છે.

કોરોના ટાસ્ક ફોર્સના પ્રમુખ ડો. સંજય ઓક પોતે પણ સંક્રમિત થયા છે. તેમણે જણાવ્યું કે મંગળવારે કોરોનાના 824 નવા કેસ નોંધાયા છે. જે 40 દિવસમાં સૌથી ઓછા છે. હવે 13 દિવસના બદલે 37 દિવસમાં કેસ ડબલ થઈ રહ્યા છે. પોઝિટિવ કેસ વધવાની ઝડપ 7 દિવસમાં 5%થી ઘટી 1.88% થઈ ગઈ છે. જોકે, મુંબઈમાં વધતા કેસના કારણે આઈસીયુ અને વેન્ટિલેટરની અછત સર્જાય તેવી સ્થિતિ પેદા થઈ છે. શહેરની આઈસીયુ ક્ષમતા 1,219 છે, જેમાં માત્ર 72 ખાલી છે. વેન્ટિલેટર કેપેસિટી 701 છે, જેમાંથી માત્ર 23 ખાલી છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલો દ્વારા મરજી મુજબ બિલ વસૂલવાની અત્યાર સુધી 134 કેસની ફરિયાદ આવી છે. એક દર્દીનું બિલ રૂ.5 લાખની આસપાસ બની રહ્યું છે.

બીએમસીએ કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 770 કરી દીધી છે. 5,932થી વધુ રહેવાસી ઈમારતો અને ચાલ સીલ કરાઈ છે. બોરીવલીના એનસીપી નેતા મનીષ દુબેએ જણાવ્યું કે, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયા છે, એટલે કેસ વધી રહ્યા છે. પૂર્વી ઉપનગરમાં યુવા બ્રિગેડ એસોસિયેશનના સલાહકાર ડો. બાબુલાલ સિંહ જણાવે છે કે મુલુંડના ઈન્દ્રાનગર અને રામગઢ જેવા સ્લમ વિસ્તારોમાં 95% દર્દી સાજા થઈને ઘરે આવી ગયા છે. જોકે, મુલુંડના પૉશ વિસ્તારમાં ચેપ ફેલાઈ રહ્યો છે. અહીં એપ્રિલમાં કુલ 13 કેસ હતા, જે હવે 1870 થઈ ગયા છે.

12 લાખ પરપ્રાંતીય ગયા, હવે દરરોજ 15 હજાર મજૂર મુંબઈ પાછા ફરે છે
મહારાષ્ટ્ર સરકાર અનુસાર લૉકડાઉનના કારણે 12 લાખથી વધુ પરપ્રાંતીય કામદારોએ પલાયન કર્યું હતું. હવે મુંબઈમાં દરરોજ 10થી 15 હજાર મજૂરો પાછા ફરી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ શરૂ થઈ શક્યું નથી. ડોક્ટરોએ ચેતવણી આપી છે કે જો ચોમાસામાં લોકોએ સાવચેતી નહીં રાખી તો રિકવરી રેટ બગડી શકે છે. નવા હોટસ્પોટ પણ બની શકે છે. આથી લોકોએ વધુ એલર્ટ રહેવું પડશે.

30% દુકાનો જ ખૂલી રહી છે, વેપારમાં રોજનું 500 કરોડનું નુકસાન
ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશનના વિરેન શાહે જણાવ્યું કે મુંબઈની કુલ 3.5 લાખ દુકાનોમાંથી માત્ર 30% જ ખૂલી રહી છે. લૉકડાઉનથી અત્યાર સુધી મુંબઈની દુકાનો, મોલ અને મલ્ટિપ્લેક્સ બંધ રહેવાથી રોજનું રૂ.500 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. સરકારી કચેરીઓમાં 25થી 50% સ્ટાફ જ કામ પર પહોંચી રહ્યો છે, જ્યારે ખાનગી ઓફિસોમાં આ સંખ્યા 10-15% છે.

મુંબઈ: અત્યાર સુધી 150 ડોક્ટર અને 2,400થી વધુ પોલીસકર્મી સંક્રમિત
આઈએમએ અનુસાર મહારાષ્ટ્રમાં કોરોનાથી 11 ડોક્ટરોનાં મોત થઈ ચૂક્યાં છે. જેમાં 5 મુંબઈના છે. લગભગ 600 ડોક્ટર સંક્રમિત થયા છે જેમાં મુંબઈના 150 છે. બોલિવૂડ હસ્તિઓ અને નેતાઓનો ઈલાજ કરનારા ડો. જલીલ પારકર પણ સંક્રમિત છે. મુંબઈમાં 2,400થી વધુ પોલીસકર્મી સંક્રમિત થયા છે, જ્યારે 31નાં મોત થયાં છે. નગરનિગમના પણ 70 કર્મચારીના મોત થઈ ચૂક્યા છે.

લાઈફલાઈનનાં પૈડાં લૉક, 2,786 બસમાં રોજ 2.5 લાખની મુસાફરી
લૉકડાઉન પહેલાં લોકલ ટ્રેનોના 3,074 ફેરામાં 78 લાખ લોકો મુસાફરી કરતા હતા. અત્યારે 340 ફેરામાં લગભગ 1.20 લાખ લોકો જ મુસાફરી કરે છે. જોકે, લોકલ બસો પર અસર ઓછી છે. 3500થી વધુ બસોમાંથી 2,786 ચાલી રહી છે. જેમાં રોજના 2.50 લાખ લોકો મુસાફરી કરે છે. 9 જૂનથી અત્યાર સુધી બેસ્ટની બસોમાં કુલ 7.78 લાખ લોકોએ મુસાફરી કરી છે. મેટ્રો હજુ શરૂ કરાઈ નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આ તસવીર ધારાવી ઝૂંપડપટ્ટીની છે. અહીં અત્યાર સુધી કોરોનાના 2,189 દર્દી મળ્યા છે, જ્યારે 81 મોત થયાં છે.


source https://www.divyabhaskar.co.in/national/news/corona-spread-to-posh-areas-of-mumbai-near-icu-ventilator-termination-127444418.html

Post a Comment

0 Comments