ક્રિકેટ પ્રેમીઓના આશ્ચર્ય વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, એટલે કે હવે આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટમાં હેલિકોપ્ટર શોટ જોવા નહીં મળે. ધોનીએ શનિવારે સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે આપ સૌએ જે પ્રેમ અને સહકાર આપ્યો તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. આજે સાંજે 7:29 વાગ્યાથી મને નિવૃત્ત જ સમજશો. આ વીડિયોમાં તેના ક્રિકેટ જીવનકાળની કેટલીક વિશેષ ઝાંખી જોવા મળતી હતી. ધોની ટીમ ઇન્ડિયાનો અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. ધોનીના નૈતૃત્વમાં ભારતને T-20, વન-ડે વર્લ્ડ કપ તથા ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત મળી હતી. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તો સન્યાસ લેવાની જાહેરાત કરી છે પણ IPLમાં તે રમતો જોવા મળશે. ધોનીએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જે જાહેરાત કરી તેની ગણતરીની મિનિટોમાં જ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીનું રાષ્ટ્રને સંબોધન
દેશમાં કોરોના મહામારીને લીધે અનેક મુશ્કેલી સર્જાયેલી છે પણ દેશની સ્વતંત્રતાના 74 વર્ષની ઉજવણી ઉત્સાહ સાથે કરવામાં આવી. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા જેવા સાવચેતીના પગલાં સાથે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું હતું. આ સાથે પ્રધાનમંત્રીએ પડોશી દેશ ચીન તથા પાકિસ્તાનને આડકતરી રીતે એટલે કે કોઈનું નામ લીધા વગર ગર્ભિત ચિમકી પણ આપી હતી. આ સાથે તેમણે લદ્દાખનો ઉલ્લેખ કર્યો અને કહ્યું આજે વિશ્વ જોઈ રહ્યું છે કે આપણા સૈનિકો શુ કરી શકે છે. લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જૂનના રોજ ભારત-ચીનના સૈનિકો વચ્ચે જે હિંસક ઝપાઝપી થઈ હતી, જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. મીડિયા અહેવાલો પ્રમાણે આ અથડામણમાં ચીનના પણ 40થી વધારે સૈનિકો માર્યા ગયા હતા. અલબત ચીન પોતાના પક્ષે જાનહાનિ થઈ હોવાનો ઈન્કાર કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી કોરોના રસીનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે દેશમાં એક નહીં પણ ત્રણ રસી પર કામ થઈ રહ્યું છે. તે પરિક્ષણના વિવિધ તબક્કા હેઠળ છે. વૈજ્ઞાનિકો તરફતી મંજૂરી મળતા જ મોટાપાયે તેનું નિર્માણ કરવામાં આવશે, જેથી ભારતીય નાગરિકો સુધી ઓછામાં ઓછા સમયમાં પહોંચાડી શકાય. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં એવી અટકળો વહેતી થઈ હતી કે પ્રધાનમંત્રી 15મી ઓગસ્ટના રોજ કોરોના રસી અંગે જાહેરાત કરી શકે છે. પણ હવે આ મુદ્દે ચિત્ર તદ્દન સ્પષ્ટ થઈ ગયુ છે.
જયપુરમાં ભારે વરસાદને લીધે નુકસાન
રાજસ્થાનની રાજધાની જયપુરમાં છેલ્લા કેટલાક દિવસથી જે ભારે વરસાદ થયો તેને લીધે મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. આ વરસાદથી થયેલા નુકસાન અને મુશ્કેલીમાંથી હજુ પ્રજાને કળ વળી નથી અને જનજીવન ઠારે પડ્યુ હોય તેવુ દેખાતુ નથી. વરસાદ તો અટકી ગયો છે પણ વરસાદમાં જે કાદવ ખેંચાઈને આવ્યો હતો તેમા મોટી સંખ્યામાં વાહનો ફસાઈ ગયેલા જોવા મળે છે. દુકાનો તથા ગોડાઉનમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ વરસાદને લીધે જયપુમાં આશરે રૂપિયા 100 કરોડનું જંગી નુકસાન થયુ હોવાનો પ્રાથમિક અંદાજ છે.
બિહારમાં ચૂંટણીનું વાતાવરણ જામતુ જાય છે, ચિરાગ નીતિશથી તો જીતન RJDથી નારાજ
રામવિલાસ પાસવાનનો દિકરો અને LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાની બોલીમાં નીતિશ વિરોધી સૂર સંભળાય છે. ચિરાગ પાસવાન હવે નીતિશને રાજધર્મ નિભાવવાનો બોધ આપી રહ્યા છે અને તેમની ટીકા કરવાની કોઈ તક જતી કરતા નથી. આ સાથે તેઓ નીતિશને સીધા પ્રશ્નો પૂછી રહ્યા છે. અગાઉ ચિરાગે નીતિશને પૂછ્યુ હતું કે છેલ્લા 15 વર્ષમાં તેમણે બિહારમાં પૂર તથા આરોગ્ય વ્યવસ્થા માટે શુ કર્યું છે? અત્રે ઉલ્લેખનીય છે કે ચિરાગનો પક્ષ LJP એ કેન્દ્રની NDAનો ભાગ છે અને નીતિશ સરકારને ટેકો આપી રહ્યા છે. હવે ચિરાગ તરફથી જે નિવેદનો આવી રહ્યા છે તેને સાંભળતા તો એવું લાગે છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં જો LJPને ઓછું મહત્વ મળશે તો તે NDA સાથેના સંબંધનો અંત પણ લાવી શકે છે.
LJP અલગ થાય તો શુ થઈ શકે છે તે અંગે પણ આછો પાતળો અંદાજ જોઈએ. બિહારના ભૂતપુર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના પક્ષનું NDAને સમર્થન મળી શકે છે.માંઝી RJDથી નારાજ ચાલી રહ્યા છે. તેમણે પણ સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે જો વાત અનુકૂળ રહી તો ઠીક છે, અન્યતા તેઓ મહાગઠબંધન છોડી NDA એટલે કે નીતિશ સરકાર સાથે જોડાઈ શકે છે.
વૈષ્ણો દેવી યાત્રાનો આજથી પ્રારંભ
16 ઓગસ્ટ એટલે કે આજથી વૈષ્ણોદેવી યાત્રા ફરીથી શરૂ થવા જઈ રહી છે. કોરોના મહામારીને લીધે છેલ્લા 6 મહિનાથી વૈષ્ણોદેવી યાત્રા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કોરોનાથી સાવચેત રહેવા માટે યાત્રા સમયે નીતિ-નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.પ્રથમ સપ્તાહ દરમિયાન યાત્રા માટે દરરોજ બે હજાર ભક્તોને પ્રવેશ આપવામાં આવશે, જે પૈકી અન્ય રાજ્યોના ફક્ત 100 ભક્તોને જ મંજૂરી મળશે.
રવિવારના ગ્રહો શુ કહે છે
જ્યોતિષાચાર્ય ડૉ. અજય ભામ્બી જણાવ્યા પ્રમાણે 16 ઓગસ્ટ અને રવિવારના રોજ વજ્ર નામનો અશુભ યોગ છે. સવારે 8 વાગ્યાથી સિદ્ધિ નાનો શુભ યોગ પણ બનશે. ચંદ્રમાં બુધ રાશિ, મિથુન તથા સૂર્ય ચંદ્રમાં બુધની રાશિ મિથુન અને સૂર્ય ચંદ્રમાનની રાશી કર્કમાં રહેશે. 8 રાશિઓ વાળી વ્યક્તિ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. મેષ, મિથુન, સિંહ, કન્યા, તુલા, ધનુ, મકર અને કુંભ રાશિ માટે દિવસ શુભ પરિણામ આપશે. વૃષભ, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ માટે દિવસ ઠીક રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/retirement-of-two-cricket-stars-pm-warns-china-pak-from-red-fort-vaishno-devi-yatra-starts-from-today-127620178.html
0 Comments